સર્વ શિક્ષા અભિયાન

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Tuesday, 3 December 2013

દ્વિરુક્ત પ્રયોગો

દ્વિરુક્ત પ્રયોગો

‘દ્વિ’ એટલે ‘બે’ અને ‘ઉક્ત’ એટલે ‘બોલાયેલું’ તે.  આમ, ‘દ્વિરુક્ત’ એટલે જે બે વખત બોલાય છે તે.
જેમ કે, - ઠેરઠેર, ગરમગરમ, લાડુબાડુ, ગલ્લાંતલ્લાં, ચોપડીબોપડી, પેનબેન, ભજનબજન, ગીતબીત, દોડાદોડી, મારામારી, શાકબાક, માંડમાંડ, ગાળાગાળી.
સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો :
એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય ત્યારે સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો બને છે.
જેમ કે, - ઠેરઠેર, ગરમગરમ, ઘેરઘેર, માંડમાંડ, મનમાં મનમાં, જ્યાં જ્યાં, ત્યાં ત્યાં, શું શું, પાંચપાંચ
અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ :
કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પણ એમાંથી ધ્વનિનો લોપ થયો હોય છે.
જેમ કે, - આટઆટલું, તેટતેટલું, કેટકેટલું, લાભાલાભ, લાવાલાવ
પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગ :
જેમાં પ્રાસ મિલાવવા માટે દ્વિરુક્ત શબ્દો પ્રયોજાયા હોય. એમાં બે રૂપ જોડાય ત્યારે કાં તો બંને રૂપ સાર્થક હોય, કાં તો આગળનું રૂપ સાર્થક હોય અને પાછળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય અથવા તો પાછળનું રૂપ સાર્થક હોય અને આગળનું રૂપ પ્રાસ માટે પ્રયોજાતું હોય; એવી રીતની વિભિન્ન પ્રકારની દ્વિરુક્તિઓ જોવા મળે છે.
જેમ કે, -
બંને રૂપ સાર્થક હોય તેવા શબ્દો : તોડફોડ, ચડતીપડતી, આવકજાવક, ખાધુંપીધું
પ્રથમ રૂપ સાર્થક હોય અને બીજું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય તેવા શબ્દો : ઘરબર, કાગળબાગળ, ચોપડીબોપડી, લાપસીબાપસી
બીજું રૂપ સાર્થક હોય અને પ્રથમ રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય તેવા શબ્દો : આડોશીપાડોશી, આજુબાજુ
સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો :
જેમાં બે રૂપ જોડાતા હોય અને બંને વચ્ચે સંયોજક આવે ત્યારે આવા શબ્દો બને છે. આ, એ, ઓ, અં વગેરે જેવા સંયોજકો વચ્ચે મૂકવાથી આવા પ્રયોગ થાય છે.
જેમ કે, -
આ – હસાહસ, ગરમાગરમ, દોડાદોડી, મારામારી, ગાળાગાળી
એ – ગામેગામ, ખાધેપીધે, ચોરેચૌટે, ચોખ્ખેચોખ્ખું
ઓ – રાતોરાત, ભારોભાર, બારોબાર
અં – ખુલ્લંખુલ્લા, દોડંદોડી, કૂદંકૂદી
સ્વરભેદ કે વ્યંજનભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો :
કેટલાક પ્રયોગોમાં વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવે છે;
જેમ કે, -
સ્વરભેદ હોય તેવા શબ્દો :થાગડથીગડ, સાફસૂફ, ઠીકઠાક
વ્યંજનભેદ હોય તેવા શબ્દો : બોલ્યુંચાલ્યું, સખળડખળ

રવાનુકારી શબ્દપ્રયોગો

‘રવ’ એટલે ‘અવાજ’. જે શબ્દપ્રયોગો દ્વારા અવાજનું – નાદનું તત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી શબ્દપ્રયોગો કહેવાય.
જેમ કે, -
માર્મિકભાઈ બહુ ટકટક સારી નહીં.
માલવભાઈ ટપટપ ટેટા પાડવા માંડ્યા.
ઝરમર ઝરમર વરસાદ પડે છે.
ખળખળ ખળખળ ઝરણાં વહે છે.
ઝબઝબ ઝબઝબ વીજળી ચમકે છે.
બંદૂકમાંથી છનનન કરતી ગોળી છૂટી.
દડબડ દડબડ દોડે ગલૂડિયું.
પાર્થવ ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો ?
ઉપરના વાક્યોમાં ટકટક, ટપટપ, ઝરમર, ખળખળ, ઝબઝબ, છનનન, દડબડ, ઢમઢમ વગેરે શબ્દપ્રયોગોમાં વિશિષ્ટ ધ્વનિરચનાથી વિશિષ્ટ અવાજ સૂચવવાનો ભાષકનો આશય સ્પષ્ટ દેખાય છે. આવી રીતે પ્રયોજાતા શબ્દપ્રયોગોને રવાનુકારી શબ્દપ્રયોગો કહેવાય છે.
સંકલન  : ભરતકુમાર એલ. ચૌહાણ (ઓ-કાન્હા)

No comments :

Post a Comment