સર્વ શિક્ષા અભિયાન

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Tuesday 3 December 2013

નિપાત -ગુજરાતી વ્યાકરણ



નિપાત :
“વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો જેવા કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, કૃદંત, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, સાથે આવી શકે અને ભાર, નિશ્ચય વગેરે અર્થની વિશેષતા દર્શાવે તે પદોને નિપાત કહે છે.”
નિપાતના પ્રકાર :
(૧) ભારવાચક નિપાત :
“જે નિપાત ભારવાહી અર્થ બતાવે છે તેને ભારવાચક નિપાત કહેવામાં આવે છે.”
ઉદાહરણ : જ, તો, ય, પણ, સુદ્ધાં
માલવ  આ લખી શકશે.
માલવ તો આ વાત કરશે જ.
માલવ  ગીત ગાશે.
પાર્થવ પણ વાર્તા કહેશે.
શિક્ષક સુદ્ધાં આ સેવાયજ્ઞમાં જોડાયા.
(૨) સીમાવાચક નિપાત :
“જેમાં સીમા કે મર્યાદા અંકિત થતી હોય અને સીમા મર્યાદાનો અર્થ વ્યક્ત થતો હોય તે સીમાવાચક નિપાત કહેવાય છે.”
ઉદાહરણ : ફક્ત, કેવળ, તદ્દન, સાવ, છેક, માત્ર
માલવભાઈ તમે ફક્ત દસ મિનિટમાં આવી જાઓ.
માલવભાઈ કેવળ તમારા આગ્રહને કારણે હું આવીશ.
માલવ અને પાર્થવ તદ્દન નજીવી બાબતમાં ઝઘડી પડ્યા.
માલવ ઘરમાં સાવ એકલો પડી ગયો.
છેક આવું થશે તેની તો કલ્પના જ નહોતી.
માલવભાઈ માત્ર તમને આમંત્રણ છે.
(૩) વિનયવાચક નિપાત :
“જેમાં વિનય, વિવેક, માન-મોભો કે આદરનો અર્થ દર્શાવાયો હોય તેવા નિપાત વિનયવાચક નિપાત કહેવાય છે.”
ઉદાહરણ : જી
આચાર્યજીને મારા નમસ્કાર.
અમારી ભૂલ હોય તો માફ કરશોજી.
પ્રધાનજી સભામાં પધાર્યા.
સ્વામીજી આશ્રમમાં હાજર છે.
(૪) પ્રકીર્ણ – લટકણિયાં રૂપે પ્રયોજાતા નિપાત :
“કેટલાક નિપાત વાક્યને અંતે વિનંતી, આગ્રહ, અનુમતિ વગેરે જેવા અર્થમાં અને ક્યારેક તો માત્ર લટકણિયાં રૂપે પ્રયોજાય ત્યારે તેમને લટકણિયાં રૂપે પ્રયોજાતા નિપાત કહેવાય છે.”
ઉદાહરણ : ને, કે, તો, એમ કે, કેમ
પાર્થવભાઈ મારી વાત માનશે ને ?
માલવભાઈ તમારી પેન આપશો કે ?
માલવ, મને પાર્થવનું સરનામું લખાવ તો ?
મને એમ કે માલવ દોડી શકશે.
પાર્થવ પાછો આવી ગયો, કેમ ?
સંકલન : ભરત ચૌહાણ (ઓ-કાન્હા)

No comments :

Post a Comment